Breaking

Sunday, March 3, 2019

સિહોરમાં છેલ્લા ઘણાં સમયથી ઠેરઠેર ગંદકીનું સામ્રાજય

પાલિકા તંત્રની ઘોર બેદરકારી થી રોગચાળો ફાટી નીકળવાની દહેશત

સિહોર નગરપાલિકા દ્વારા શહેરના કેટલાય વિસ્તારમાં નિયમિત સાફ સફાઈ નહિ કરવામાં આવતા ઠેરઠેર ગંદકીનું સાંમ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જવાબદાર પાલિકા તંત્રની ઘોર બેદરકારીના લીધે શહેરના અમુક વિસ્તારમાં અઠવાડિયે તથા અમુક વિસ્તારમાં લોકો દ્વારા ફરીયાદ કરવામાં આવે ત્યારે જ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે છે આ કારણે શહેરમાં જ્યાં જુઓ ત્યાં ભરેલા ઉકરડા,જાહેર રોડ પર ગંદકીના ગંજ,તૂટેલી પાઇપ લાઈનો તેમજ ઉભરાતી ગટરોને કારણે શહેરની જનતા તોબા પોકારી ઉઠી છે. 
એક તરફ સ્વચ્છતા અભિયાનના મોટા બણગાં ફૂંકી રહેલી ભાજપા સરકાર દ્વારા અવારનવાર સ્વચ્છતાના નામે મોટા મોટા કાર્યક્રમોમાં કરી રહી છે ત્યારે બીજી તરફ ભાજપ શાસિત સિહોર નગરપાલિકા દ્વારા સિહોરના અનેક વિસ્તારોમાં નિયમિત સાફ સફાઈ ન થતી હોવાથી શહેરીજનો ને ભારે હાડમારી વેઠવી પડે છે. નગરપાલિકા દ્વારા શહેરીજનો પાસે સફાઈ વેરો ફરજિયાત લેવામાં આવતો હોવા છતાં શા માટે ફક્ત પ્રાઇવેટ બિલ્ડીંગ, પ્રાઇવેટ ગ્રાઉન્ડ તેમજ પોતાના સબંધીઓના વિસ્તારમાં ખાસ ધ્યાન આપવામાં આવે છે..? આ બાબતે પાલિકા તંત્ર દ્વારા શહેરના નાગરિકોને પડતી મુશ્કેલીઓ પર વધુ ધ્યાન આપવામાં આવે જેથી કરીને ગંદકીના કારણે રોગચાળો ન ફેલાઈ તે માટે શહેરને સ્વચ્છ બનાવી નિયમિત સફાઈ કામગીરી કરીને જરૂરી દવાઓનો છંટકાવ કરવામાં આવે તેવી શહેરના નાગરિકો માંગ કરી રહ્યા છે.

સ્વચ્છતા અંગેની હકીકત...
સિહોર નગરપાલિકા પાસે વાહનો અને પૂરતા સ્ટાફની પણ વ્યવસ્થા છે તથા નવે નવ વોર્ડની દેખરેખ માટે વોર્ડ સુપર વાઇઝર પણ હોવા છતાં સફાઈ બાબતે કોઈ ખાસ ધ્યાન નથી અપાઈ રહ્યું. અને બીજુ એ કે તંત્ર દ્વારા પ્રાઇવેટ કામોને (સત્તાધીશો અને લાગતા વળગતાઓ) પહેલું ધ્યાન આપવામાં આવે છે તેમજ શહેરભરમાં  લોકો જ્યા ત્યાં કચરો એંઠવાડ ન નાખે તે માટે ડસ્ટબીન મુકવાનો પ્રોજેક્ટ હતો પરંતુ કામચોર તંત્ર દ્વારા શહેરના અમુક વિસ્તાર પૂરતા જ  30-30 ફૂટના અંતરમાં જ બે-ત્રણ ડસ્ટબીનો ગોઠવી દેવાયા છે એ પણ જ્યાં લોકોની અવરજવર ઓછી હોય તેવા ઠેકાણે આવી કામગીરી કરવામાં આવતા સિહોર નો કાયમી સ્વચ્છતા અંગેનો પ્રશ્ન હજુ ક્યાં સુધી ઉભો રહેશે તે પણ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

No comments:

Post a Comment