સિહોર સમાચાર

Breaking News

LightBlog

Breaking

Tuesday, March 5, 2019

March 05, 2019

સિહોર નગરપાલિકા દ્વારા સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ

હંમેશા વિવાદો માં રહેવા ટેવાયેલી સિહોર નગરપાલિકા ની કામગીરી આજે ફરી શહેરભરમાં ચર્ચાનો વિષય બની છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સિહોર શહેરના વોર્ડ નં-૯ ખાતે આવેલી એકતા સોસાયટીના રામદેવ નગર વિસ્તારમાં સિહોર નગરપાલિકા ના જ એક ચૂંટાયેલા અપક્ષ સભાસદ દ્વારા સરકારી જમીનમાં દબાણ કરી બનાવાયેલા પોતાના ઘરના ફળિયામાં અને તેઓના સંબંધીના ફળિયામાં જાહેર રસ્તો ન હોવા છતાં સરકાર દ્વારા સિહોર નગરપાલિકાને ફાળવવામાં આવેલી રોડ-રસ્તા ની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકનું કામ કરાવવામાં આવી રહ્યું છે તેથી પાલિકાના જવાબદાર અધિકારી-પદાધિકારીઓ સામે પગલા લઈ આ કામ ગેરકાયદેસર હોવાથી વહેલી તકે રોકવામાં આવે તેવા મતલબની લેખિતમાં ફરિયાદ સિહોર કોંગ્રેસ પક્ષના જાગૃત કાર્યકર જગદીશભાઈ નમસા દ્વારા સિહોર પ્રાંત અધિકારી,જિલ્લા કલેક્ટર અને પ્રાદેશિક કમિશનર ને કરવામાં આવતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સિહોરના અનેક વિસ્તારોમાં રોડ-રસ્તા ન હોવાથી શહેરીજનોને ભારે અગવડતા ઓ ભોગવવી પડતી હોય છે ત્યારે આવા અનેક લાગતા વળગતાઓ સ્વ વિકાસ માટે જ પાલિકાની ચૂંટણી લડીને તંત્રને નુકસાન કરતા હોય છે ત્યારે નગરપાલિકા સત્તાધીશો શુ કામ આવા ગેરકાયદેસર કામને મંજૂરી આપતા હોય છે તે પણ વિચાર માંગી લે તેવી બાબત છે. અગાઉ પણ મેઇનબજાર માં એક શાસક પક્ષના સંગઠનના હોદ્દેદારના સંબંધીના ડેલામાં આ પ્રકારની રોડની કામગીરી કરવામાં આવી હતી ત્યારે પણ તે મુદ્દો ખૂબ ચગ્યો હતો. અવારનવાર પ્રાઇવેટ કામોને પ્રોત્સાહિત કરી રહેલા સિહોર નગરપાલિકાના શાસનકર્તાઓની કામગીરી પર અનેક જાતના સવાલો ઉભા થઈ રહ્યા છે. સિહોર નગરપાલિકાના જવાબદાર ગણાતા ચીફ ઓફિસર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી ઘી ના ઠામમાં ઘી પડ્યું રહેશે તેવી વાતો શહેરભરમાં  ચોરેને ચૌટે ચર્ચાઈ રહી છે.

Monday, March 4, 2019

March 04, 2019

છોટે કાશીમાં ગુંજયો હર હર મહાદેવનો નાદ મહાશિવરાત્રિ પર્વની ભારે આસ્થા પૂર્વક ઉજવણી કરવામાં આવી

શિવરાત્રી એટલે મહાદેવનુ પાવન પર્વ. આજે સવારથી સિહોર તાલુકામાં  શિવાલયો માં ઓમ નમ: શિવાય, હર હર મહાદેવના જયઘોષ ગુંજી ઉઠયા હતા. વહેલી સવારથી જ મંદિરોમાં ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. શિવલિંગને જળ અને દુધનો અભિષેક, બિલીપત્ર અર્પણ કરવા તથા દર્શનનો લાભ લેવા ભાવિકો ઉમટી પડયા હતા. સૌરાષ્ટ્રના કાશી ગણાતા સિહોર સહિત સ્થાનકોમાં ભાવિકોની ભીડ રહી હતી.
સિહોરમાં નવનાથ,ગૌતમેશ્વેર મહાદેવ સહીતના અનેક શિવાલયો આવેલા છે.અહીં ગુજરાતભરમાંથી લોકો શિવજીના દર્શન કરવા આવે છે.આજે મહાશિવરાત્રીના દિવસે બહોળી સંખ્યામાં ભકતજનો ઊમટી પડયા હતા અને ભગવાન શિવની આરાધનામાં ડુબકી મારી ધન્યતા અનુભવી હતી. ઉપરાંત સિહોર ગ્રામ્ય પંથકમાં પણ મહાશિવરાત્રી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવેલ 

Sunday, March 3, 2019

March 03, 2019

સિહોર નગરપાલિકાની લાપરવાહીના લીધે મોક્ષધામની રાખ રોડ ઉપર સ્વવિકાસમાં રાચતા તંત્રના સત્તાધીશો પ્રત્યે નગરજનોમાં ભારે રોષ


દુનિયા ભરમાં કોઈ પણ ધર્મનાં કોઈ પણ માનવનું મૃત્યું થાય તો મૃતદેહનો મલાજો તે મરણ જનાર વ્યક્તિનાં ધર્મ મુજબ આદી કાળ થી પુરેપુરો જાળવવામાં આવતો હોય છે. મરણ ચાહે સ્વજનનું હોય કે શત્રુનું પરંતુ પૃથ્વી પર થી વિદાય પામેલ માનવની અંતિમ ક્રિયા પોતાના ધાર્મિક રીતરીવાજો મુજબ થતી હોય છે. જે મુજબ હિન્દુ ધર્મમાં વ્યક્તિનાં મરણ બાદ મૃતદેહનો તેમના સ્વજનો દ્વારા અગ્નિ સંસ્કાર થાય છે તથા મૃતદેહનાં પવિત્ર અસ્થિ નું પવિત્ર નદી કે સરોવરમાં વિસર્જન કરવામાં આવે છે, તથાં અગ્નિ સંસ્કાર બાદ મૃતદેહ નીં પવિત્ર રાખ પુરા સન્માન પૂર્વક જે તે ગામ-નગર ની પંચાયત,પાલિકા કે અન્ય કોઈ ધાર્મિક સંસ્થા દ્વારા મલાજા પૂર્વક સાગરમાં પધરાવવા નીં માનવતા દાખવી ફરજ બજાવવામાં આવે છે.

વાત કરીએ આપણા સિહોર નગરનાં હિન્દુ મોક્ષ ધામની જે સિહોર નગરની પવિત્ર ગૌતમી નદી કાંઠે આવેલ છે,જયાં હિન્દુ મૃતદેહ નીં તમામ અંતિમ વિધિ પૂરી પવિત્રતા,ધાર્મિકતા , સંસ્કારીતા સાથે તમામ પ્રકારના રીતિ રિવાજો પ્રમાણે થાય છે, મૃતદેહ ચાહે બીનવારસી હોય તો પણ તેમના અગ્નિ સંસ્કાર  વિધિસર તથા સન્માન પૂર્વક કરવામાં આવે છે. જેમનાં કોઈ વારસદાર ન હોય તેવા મૃતદેહ નાં પવિત્ર અસ્થિ નું વિસર્જન પણ શહેરની ધાર્મિક સંસ્થા દ્વારા મલાજા પૂર્વક સાગરમાં પધરાવવામાં આવે છે, ત્યાર બાદ અગ્નિસંસ્કાર પામેલ મૃતદેહની તમામ પવિત્ર રાખ પુરા સન્માન પૂર્વક પધરાવવાનું સિહોર નગરપાલિકા દ્વારા કરવામાં આવતું હતુ. આ સત્કાર્ય ની શરૂઆત સાડા ત્રણ દાયકા પહેલા તે સમયના સિહોર નગર પંચાયત ના પ્રમુખ ઘનશ્યામભાઈ રાણા દ્વારા આજથી ૩૪ વર્ષ પહેલાં શરૂ કરાવવા માં આવી હતી જે હાલ સુધીના નગર પંચાયત થી લઈને નગરપાલિકાના જે તે સત્તાવાહકોએ પણ પાલિકાના વાહન દ્વારા નિષ્કલંક મહાદેવ (કોળિયાક)ખાતે સાગરમાં પધરાવવાનું ચાલુ રાખ્યું હતું પરંતુ વર્તમાન નગરપાલિકાના શાસકો છેલ્લા ઘણા સમયથી પોતાની આ ફરજ હાલ વિસરી ગયેલા હોવાથી હિન્દુ મૃતદેહની અંતિમ વિધિ બાદનીં પવિત્ર રાખ સ્મશાનનીં દિવાલે જેવી તેવી જગ્યાએ ઢગલા થયેલ હાલતમાં તથાં ગૌતમેશ્વર મહાદેવ મંદિરનાં માર્ગ પર પગે કચરાતી, રસ્તા પર ફેલાતી અપમાન જનક હાલતમાં જોવા મળી રહી છે.જે તે ચૂંટણીમાં હિન્દુત્વનાં નામે મતો લઇને નગરપાલિકામાં શાસન કરી રહેલા સત્તાધીશો દ્વારા પ્રાઇવેટ કામમાં પાલિકાના ટ્રેક્ટર વારંવાર મોકલે તો ભલે જાય, પરંતુ અત્યાર સુધીના શાસકો દ્વારા બજાવેલ આ પવિત્ર ધાર્મિક ફરજ હાલના સત્તાધીશો ચુકી ગયા હોવાથી શહેરમાં તંત્રના સ્વવિકાસમાં જ રસ ધરાવતા શાસકો ટીકા ને પાત્ર બની રહ્યા છે.
સિહોરના એકમાત્ર સ્મશાનમાં ભલે સિહોર નગરપાલિકા અન્ય સુવિધાઓ ન આપે પરંતુ આ બાબત શહેરીજનોની આસ્થાનો વિષય હોવાથી તંત્ર આ બાબતની ગંભીરતા સમજી વહેલીતકે યોગ્ય વાહન મારફતે જે તે જવાબદાર વિભાગને આદેશ આપી છેલ્લા ૩૪ વર્ષથી ચાલી આવતી આ સેવાકીય પ્રવૃત્તિને આગળ વધારે તેવી સિહોરના નગરજનોની લાગણી સાથે માગણી છે.
March 03, 2019

સામાન્ય મરામતના વાંકે ચાર મહિનાથી ધૂળ ખાઈ રહેલું સિહોર નગરપાલિકાનું વાહન


સિહોર નગરપાલિકા ના સેનિટેશન વિભાગ ની ઘોર બેદરકારીને લીધે પાલિકાના શહેરમાં ડોર ટુ ડોર કચરો એકઠો કરવામાં વપરાતું વાહન છેલ્લા ચાર-ચાર મહિનાથી ગુંદાળા વિસ્તાર સામે આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસેના ગેરેજ ખાતે તંત્રની જેમ જ રેઢિયાળ હાલતે એન્જીનને લગતા સામાન્ય રિપેરિંગ-કામની મામુલી રકમના ખર્ચના વાંકે ધૂળ ખાઈ રહ્યું છે. નગરપાલિકા તંત્રને ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે જે તે સમયે સિહોર શહેરની સુખાકારી અને સમસ્યાઓના નિરાકરણ માટે યાંત્રિક સાધનો તો આપ્યા છે પરંતુ સત્તાધીશોના યોગ્ય સંચાલન અને જાળવણીના અભાવને કારણે અવારનવાર આ વાહનો બગડી જતા હોય છે. પાલિકાના સફાઈ ઝુંબેશનું વાહન ખુદ ધૂળધાણી સંચાલન ના અભાવે સડી રહ્યું છે તંત્રના ડ્રાઈવરોની મનમાનીથી ચાલતા વાહનો વારંવાર ખોટકાઈ જતા હોવાથી પાલિકા તંત્ર દ્વારા રીપેરીંગ કરાવવામાં આળસ દાખવી રહ્યા હોવાનું અનેકવાર સામે આવ્યું છે. આ બાબતમાં નગરપાલિકાના અધિકારી-પદાધિકારી તેમજ પ્રમુખ સહિત જે તે જવાબદાર સત્તાવાહકો અજાણ છે કે શુ..? અથવા તો આ વાહનના રીપેરીંગ ખર્ચના પણ ટાઉનહોલના શૌચાલયોની જેમ કોઈ દાતાશ્રી ગોતવાના છે..? તેવી વાતોએ શહેરભરમાં જોર પકડ્યું છે.
March 03, 2019

સિહોર ના વોર્ડ નં -૮ માં રોડના કામમાં ગેરરીતિ ની ફરિયાદ


હમેશા વિવાદ માં રહેવા ટેવાયેલી સિહોર નગરપાલિકા આજે પણ વિવાદમાં આવી છે. સિહોર નગરપાલિકા ચૂંટણી ને એક વરસ વીત્યું ત્યારે એકપણ કામ ન કર્યા અને ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને લાભ થાય તે માટે વિકાસના નામે મત મેળવવા માટે છેક એક વરસ બાદ વોર્ડ નં-૮ ના કંસારા બજારમાં ગોપાલ લાલ ની હવેલી વાળી શેરીમાં આજરોજ જૂનો રોડ  સારો હોવા છતાં પણ મતદારો ને સાચવવા રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ રોડ નવીનીકરણ માં નિયમ મુજબ જૂનો રોડ તોડીને ન કરવામાં આવતા આ બાબત ચર્ચાનો વિષય બન્યો છે. પાલિકા તંત્રના જવાબદાર શાસકો તેમજ લાગતા વળગતા અધિકારીઓ ની કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતના કારણે આવા તકલાદી કામો થઈ રહ્યા હોવાથી આ વિસ્તારના રહીશો રોષે ભરાયા છે.
March 03, 2019

સિહોર ના રામનાથ રોડ પર ગંદકીના લીધે આંગણવાડી ના ભૂલકાઓનું આરોગ્ય જોખમમાં


સિહોર નગરપાલિકા ની કામગીરી પ્રત્યે ની બેદરકારીને કારણે રામનાથ રોડ પર આવેલી આંગણવાડી પાસે ના ભરાયેલા ઉકરડાના લીધે અહીં આવતા બાળકોને તેમજ આસપાસ ના રહીશોને ના છૂટકે દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે જેના લીધે મચ્છર જન્ય રોગચાળો ફાટી નીકળવાની શકયતા ઓ સેવાઇ રહી છે. આ વિસ્તારના લોકો દ્વારા વારંવાર આ વોર્ડ નં-૭ ના નગરસેવકો તેમજ સેનિટેશન વિભાગ ને ફરિયાદ કરવા છતાં છેલ્લા પંદર દિવસ થી ખડકાયેલા ગંદકીના ગંજથી આ વિસ્તાર ની જનતા ત્રાહિમામ થઈ ઉઠી છે. બીજી બાજુ નગરપાલિકા ની વારંવાર તુટતી પાઇપલાઇનનું આખો દિવસ વહેતુ પાણી પણ આ ગંદકીમાં વધારો કરી રહી છે . આ બાબતે પાલિકાના આ જ વિસ્તારમાંથી ચૂંટાયેલા પ્રમુખશ્રી ખાસ ધ્યાન આપી આ વિસ્તાર ની જનતા આ કાયમી સમસ્યાઓ માંથી મુક્તિ અપાવે તેવી લોકોમાં માંગ ઉઠી છે
March 03, 2019

સિહોરમાં છેલ્લા ઘણાં સમયથી ઠેરઠેર ગંદકીનું સામ્રાજય

પાલિકા તંત્રની ઘોર બેદરકારી થી રોગચાળો ફાટી નીકળવાની દહેશત

સિહોર નગરપાલિકા દ્વારા શહેરના કેટલાય વિસ્તારમાં નિયમિત સાફ સફાઈ નહિ કરવામાં આવતા ઠેરઠેર ગંદકીનું સાંમ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જવાબદાર પાલિકા તંત્રની ઘોર બેદરકારીના લીધે શહેરના અમુક વિસ્તારમાં અઠવાડિયે તથા અમુક વિસ્તારમાં લોકો દ્વારા ફરીયાદ કરવામાં આવે ત્યારે જ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે છે આ કારણે શહેરમાં જ્યાં જુઓ ત્યાં ભરેલા ઉકરડા,જાહેર રોડ પર ગંદકીના ગંજ,તૂટેલી પાઇપ લાઈનો તેમજ ઉભરાતી ગટરોને કારણે શહેરની જનતા તોબા પોકારી ઉઠી છે. 
એક તરફ સ્વચ્છતા અભિયાનના મોટા બણગાં ફૂંકી રહેલી ભાજપા સરકાર દ્વારા અવારનવાર સ્વચ્છતાના નામે મોટા મોટા કાર્યક્રમોમાં કરી રહી છે ત્યારે બીજી તરફ ભાજપ શાસિત સિહોર નગરપાલિકા દ્વારા સિહોરના અનેક વિસ્તારોમાં નિયમિત સાફ સફાઈ ન થતી હોવાથી શહેરીજનો ને ભારે હાડમારી વેઠવી પડે છે. નગરપાલિકા દ્વારા શહેરીજનો પાસે સફાઈ વેરો ફરજિયાત લેવામાં આવતો હોવા છતાં શા માટે ફક્ત પ્રાઇવેટ બિલ્ડીંગ, પ્રાઇવેટ ગ્રાઉન્ડ તેમજ પોતાના સબંધીઓના વિસ્તારમાં ખાસ ધ્યાન આપવામાં આવે છે..? આ બાબતે પાલિકા તંત્ર દ્વારા શહેરના નાગરિકોને પડતી મુશ્કેલીઓ પર વધુ ધ્યાન આપવામાં આવે જેથી કરીને ગંદકીના કારણે રોગચાળો ન ફેલાઈ તે માટે શહેરને સ્વચ્છ બનાવી નિયમિત સફાઈ કામગીરી કરીને જરૂરી દવાઓનો છંટકાવ કરવામાં આવે તેવી શહેરના નાગરિકો માંગ કરી રહ્યા છે.

સ્વચ્છતા અંગેની હકીકત...
સિહોર નગરપાલિકા પાસે વાહનો અને પૂરતા સ્ટાફની પણ વ્યવસ્થા છે તથા નવે નવ વોર્ડની દેખરેખ માટે વોર્ડ સુપર વાઇઝર પણ હોવા છતાં સફાઈ બાબતે કોઈ ખાસ ધ્યાન નથી અપાઈ રહ્યું. અને બીજુ એ કે તંત્ર દ્વારા પ્રાઇવેટ કામોને (સત્તાધીશો અને લાગતા વળગતાઓ) પહેલું ધ્યાન આપવામાં આવે છે તેમજ શહેરભરમાં  લોકો જ્યા ત્યાં કચરો એંઠવાડ ન નાખે તે માટે ડસ્ટબીન મુકવાનો પ્રોજેક્ટ હતો પરંતુ કામચોર તંત્ર દ્વારા શહેરના અમુક વિસ્તાર પૂરતા જ  30-30 ફૂટના અંતરમાં જ બે-ત્રણ ડસ્ટબીનો ગોઠવી દેવાયા છે એ પણ જ્યાં લોકોની અવરજવર ઓછી હોય તેવા ઠેકાણે આવી કામગીરી કરવામાં આવતા સિહોર નો કાયમી સ્વચ્છતા અંગેનો પ્રશ્ન હજુ ક્યાં સુધી ઉભો રહેશે તે પણ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.